આધ્યાત્મિક

 મન અને મનની શાંતિ.

-------------------------------------------------------
એક સાધકે તેના ગુરુને કહ્યું કે મને ભૂત સાધી આપો જેથી હું મારા બધા કામ તેની પાસે કરાવું.ગુરુ એ ભૂત સાધીને,સાધકને હવાલે કર્યું.
સાધક તેને લઈ પોતાને સ્થાને ગયો.ભૂતને જે કામ સોંપે તે ફટાફટ કરી દે ને સાધકને કહે:
'લાવ બીજું કામ નહીંતર હું તને પછાડીને ઉપર બેસી જઈશ!' 
સાધક સતત તો કેટલાં કામ સોંપે?,ગભરાયો ને દોડ્યો ગુરુ પાસે અને પરિસ્થિતિ જણાવી. સાધુએ એક મોટો વાંસ આપ્યો ને કહે: 'જા આ તારી જગ્યામાં ખોડી દે અને ભૂતને કહે જયાં સુધી હું બીજું કોઈ કામ ન સોપું ત્યાં સુધી આ વાંસ પર ચડ ઉતર કર.'

આ ભૂત એટલે આપણાં પર 'ચડી' બેઠેલું મન! 
ચંચળતા એ જ મનની જીવંતતા છે.મન ને વશ કર્યું,તો તમે 'જીત્યા' ને 'જીવ્યા'!,અને તમે તેના 'વશ' માં થયા તો તમે 'હાર્યા' ને 'મર્યા' !
આથી,કોઈ કામ ન કરતાં હોઈએ ત્યારે,મનને વાંસ એટલે જે પ્રિય હોય તે પ્રભુનું નામ અને તેમાં ચડ ઉતર એટલે પ્રભુના નામના રટણ! માં વ્યસ્ત રાખવું જોઈએ.આથી,આદ્યત્મિક બળ વધે છે.

આપણો આત્મા,ઈશ્વરનો અવિનાશી અંશ છે.
પણ આત્માએ શરીર (એટલે કે દેહ અને મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર) સાથે એટલી તાદાત્મ્યતા કેળવી લીધી છે કે,આત્મા પોતાને શરીર જ માને છે.
જેમ રીક્ષા કે ટેક્ષી ચાલક પોતે, રીક્ષા કે ટેક્સી ન હોવા છતાં,તેની રીક્ષા કે ટેક્ષી સાથેની તાદાત્મ્યતાને કારણે; આપણે બૂમ પાડીએ કે 'રીક્ષા,,,,ટેક્સી' તો પોતે રીક્ષા કે ટેક્ષી ન હોવા છતાં ઉભો રહી જાય તેમ,જીવાત્મા શરીર સાથે તાદાત્મ્યતા કેળવી લે છે.

પ્રકૃતિમાં પરસ્પર વિરોધાભાસી દ્વંદો છે તેમ મન પણ સુ-મન અને કુ-મન નો દ્વંદ્વ ધરાવે છે.એટલે કહેવાય છે કે મન મિત્ર પણ છે અને શત્રુ પણ છે.સામાન્યતઃ,કુ-મનનું વર્ચસ્વ વધારે હોય છે.
વિવેકબુદ્ધિ (સાચું-ખોટું,સારું-નરસું પારખતી બુદ્ધિ) થી સારા કર્યો માટે 'હા' અને ખોટા કાર્યો માટે 'ના' નો નિર્ણય લઈ શકાય છે.અલબત્ત આ નિર્ણયો આદ્યત્મિક બળ હોય તો જ શક્ય છે.

"बिनु सत्संग विवेक न होई, 
राम कृपा बिनु सुलभ न सोई।" 
-रामचरितमानस

अर्थ है कि सत्संग के बिना विवेक (बुद्धि) नहीं होता है और श्री राम की कृपा के बिना सत्संग सहज में नहीं मिलता। 

મન એટલું પાવરફુલ છે કે તેણે વ્યક્તિઓની જીવની પર સત્તા જમાવી દીધી છે!ખરી સત્તા એટલેકે આત્માની પણ અવગણના કરે છે.આમ વ્યક્તિઓમાં 'મનોરાજ' ચાલે છે.ખોટું છે તેવી જાણ હોવાછતાં પણ વ્યક્તિ ખોટાં કાર્યો કરે છે અને પછી પસ્તાય છે કારણકે વિવેક ને તો કોઈ અવકાશ જ નથી.આથી તો ખરાબ કર્મોના પરિણામસ્વરૂપ કોર્ટો અને જેલો ભરેલી છે.

ઇન્દ્રિયો 'ઘોડા' છે,દરેક ઇન્દ્રિય સાથે જોડાયેલ મન 'લગામ' છે,રથ 'અહંકાર' છે, બુદ્ધિ 'સારથી' છે અને રથી-રથમાં બેસેલ-જીવાત્મા છે !

મન ઇન્દ્રિયોની મદદથી કાર્ય કરવાની યોજના ઘડે છે અને મન એ બુદ્ધિને પણ પોતાના કબ્જામાં લઈ લીધેલ હોવાથી,બુદ્ધિ પાસેથી 'સહી સિક્કા' કરાવી-Approval લઈ,દરેક કાર્યને અમલમાં મુકાવી દે છે! આમ,બુદ્ધિ આપણાં દેહનો 'દ્રાઈવર' છે! જેને GPS-Good Positive Senses-ની જરૂર છે.

મનની ખાસિયત એ છે કે તે એક સાથે તે બે માં વ્યસ્ત-એક્ટિવ રહે છે:કાર્ય અને વિચાર.
આથી વ્યક્તિ જે કોઈપણ કાર્યવાહી કરે તેમાં સંપૂર્ણપણે (100%) હોતી નથી.જેમકે જમવું,ચાલવું, જોવુ,સાંભળવું વિગેરેમાં.
મન તે સમયે જે તે કાર્યવાહીમાં અને સાથોસાથ અન્ય વિચારોમાં પણ મગ્ન રહે છે. આથી,આપણે "ખરેખર" 'જમતા,ચાલતા,જોતા,સાંભળતા' હોતા નથી.

મનને જો શાંત રાખવું હોય તો;
શ્રી.કૃષ્ણ એ અર્જુનને કહેલ તેમ
"મામનુંસ્મર યુદ્ધ ચ" એટલે કે 'મારું સ્મરણ કરતાં કરતાં યુદ્ધ કર' ના ન્યાયે દરેક કાર્ય કરતાં કરતાં,અંદરને અંદર, ઈશ્વરના નામનું સ્મરણ કરતા રહેવું જોઈએ.આ શક્ય છે કારણકે 
આપણાં કોઈ કાર્ય યુદ્ધ જેટલાં તો અઘરાં નથી જ.

દરેક કર્મ એકાગ્રતાપૂર્વક કરવું જોઈએ (મોટે ભાગે કામ જલ્દી "પતાવી" દેવાની આંતરિક વૃત્તિ સાથે થતાં હોય છે!) અને તે કર્મ પૂરું થાય તે વખતે,કરેલ કાર્ય અને તે માટે લીધેલો સમય,મનોમન ઈશ્વરને ચરણે ધરી દેવો જોઈએ.આ સમર્પણ,અમુક અમુક સમયે અથવા છેવટે સુતા પહેલાં,આખા દિવસના કરેલ કાર્યો અને તે માટે લીધેલો સમય, મનોમન ઈશ્વરના ચરણમાં સમર્પિત કરવાં જોઈએ.

“त्वदीयं वस्तु गोविन्द तुभ्यमेव समर्पये”
अर्थात,
“हे गोविंद, तुम्हारा ही सब दिया हुआ है, तुम्हें ही समर्पित करता हूं”.

માનવી બધું જ પ્રાપ્ત કર્યા પછી અંતે તો મનની શાંતિ જ ઝંખે છે.કાર્ય કરતી વખતે ઉપર મુજબ અને આરામ,નિરાંતના સમયમાં પણ; જો વ્યક્તિ ઈશ્વરની સ્મૃતિ સાથે જોડાયેલી રહે તો ફળસ્વરૂપ મનની શાંતિ અવશ્ય મળે.
---દિપક બુચ,અમદાવાદ.

Comments

Popular posts from this blog